અબ્દુલ કલામ જીવન પ્રસંગ
અબ્દુલ કલામ તામિલનાડુના એક ગરીબ માછીમાર
કુટુંબમાં જન્મ્યા હતા. એમનું બાળપણ જ્યોતિર્લિંગ માટે પ્રખ્યાત રામેશ્વરમમાં
વીત્યું હતું. કલામ ઘણા હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ રામેશ્વરમની પ્રાથમિક શાળામાં
ભણતા હતા. મુસ્લિમ હોવાથી તેઓ મુસ્લિમ લોકો પહેરે છે તેવી ટોપી પહેરતા. શાળામાં
તેઓ રામાનંદ શાસ્ત્રી નામના એક હિન્દુ પુજારીના પુત્રની બાજુમાં બેસતા. એમના
શિક્ષકને એક મુસ્લિમ વિદ્યાર્થી હિન્દુ વિદ્યાર્થી સાથે બેસે એ પસંદ નહોતું એટલે
એમણે કલામને છેલ્લી પાટલીએ બેસવા કહ્યું. નાનકડા કલામને આ ગમ્યું તો નહિ પરંતુ તેઓ
શું કરી શકે? એમના મિત્ર રામાનંદ શાસ્ત્રીના પિતા
લક્ષ્મણ શાસ્ત્રીને આ વાતની ખબર પડી ત્યારે એમણે શિક્ષકને ઠપકો આપ્યો. કલામ દરેક
ધર્મને આદર આપતા. તેઓ હંમેશા એમની પાસે ભગવદ ગીતા અને કુરાન રાખતા.
]કલામ
એમનો અભ્યાસ ખર્ચ કાઢવા છાપાં વેંચતા. તેઓ ઘણો ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા હતા. તેઓ
આગળ અભ્યાસ માટે રામનાથપુરમ ગયા. તેઓ ગણિત અને વિજ્ઞાનમાં ઘણા હોશિયાર હતા. એક વખત
એમના ગણિતના શિક્ષકે એમને કશા વાંક ગુના વગર જ સજા કરી. પાછળથી જયારે કલામે
ગણિતમાં ઘણા જ સારા ગુણ મેળવ્યા ત્યારે એ શિક્ષકે કહ્યું કે તેઓ જેમને સજા કરે છે
તે મહાન વ્યક્તિ બને છે. કલામ સાચે જ એક મહાન વ્યક્તિ બન્યા!
]કલામ મદ્રાસ
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં અભ્યાસ કરવા માંગતા હતા પરંતુ એમની પાસે ફી ભરવાના
૧૦૦૦/- રુપિયા નહોતા. આથી એમની મોટી બહેને તેના ઘરેણાં વેંચીને એમની ફી ભરી. કલામે
આ બરાબર યાદ રાખ્યું અને ખુબ જ મહેનત કરીને કાયમ સારા ગુણ મેળવ્યા જેથી એમની
શિષ્યવૃત્તિ ચાલુ રહે. કોલેજ પ્રોજેક્ટમાં એમણે અત્યંત નીચી ઊંચાઈએથી ઉડી શકે એવા
વિમાનની ડિઝાઇન બનાવી. અને એ રીતે ભારતના 'મિસાઈલ મેન'ની એક નવી જ કારકિર્દીની શરૂઆત થઇ!
]અબ્દુલ
કલામ એક સફળ વૈજ્ઞાનિક હતા તે સાથે તેઓ ઘણા લાગણીપ્રધાન પણ હતા. તેઓ હંમેશા
વિજ્ઞાનનો ઉપયોગ સમાજ કલ્યાણ માટે થાય એવું વિચારતા. એક વખત તેઓ અપંગ બાળકોની
શાળાની મુલાકાતે ગયા હતા. એમણે પોલિયોગ્રસ્ત નાનકડા બાળકોને અત્યંત વજનદાર બુટ
પહેરીને ચાલતા જોયા. બાળકોને ઘણી જ પીડા થતી હતી.અબ્દુલ કલામ બાળકોનું આવું દર્દ
જોઈને ઘણા જ વ્યથિત થઇ ગયા. એમણે તરત જ આ બાળકો માટે કાંઈક કરવાનું વિચાર્યું.
એમણે આવા બુટ માટે લોખંડને બદલે મિસાઈલ બનાવવા વપરાય છે એવી હલકા વજનની ધાતુનો
ઉપયોગ કરવા સૂચવ્યું. આનાથી બુટ ઘણા જ હળવા બની જતાં પોલિયોગ્રસ્ત બાળકોને ઘણી જ
રાહત થઇ ગઈ. આ બાળકોના મુખ પર સ્મિત જોઈ કલામ પણ સંતોષ સાથે આનંદ પામ્યા.
]એક વાર કલામ
ગુજરાતના આણંદની એક શાળામાં ગયા હતા. આણંદ અમુલ ડેરી માટે પ્રખ્યાત છે.
વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમ્યાન એમણે પૂછ્યું કે આપણો સૌથી મોટો શત્રુ કોણ છે? વિદ્યાર્થીઓએ જુદા જુદા ઉત્તરો આપ્યા. સ્નેહલ ઠક્કર નામની એક હોનહાર
વિદ્યાર્થીનીએ જવાબ આપ્યો કે આપણો સૌથી મોટો શત્રુ ગરીબી છે. અબ્દુલ કલામ એનાથી
એટલા બધા પ્રભાવિત થયા કે એમણે એમનું પુસ્તક 'ઇગનાઇટેડ
માઈન્ડ' સ્નેહલને અર્પણ કર્યું અને તેઓ રાષ્ટ્રપતિ બન્યા
ત્યારે એમના શપથગ્રહણ સમારંભમાં તેને આમંત્રણ પણ આપ્યું. સ્નેહલ હાલ યુકેમાં
સ્થાયી થઇ છે.
]અબ્દુલ
કલામ ભારતના રાષ્ટ્રપતિ નહોતા બન્યા ત્યારે તેઓ એક વખત અમદાવાદના વિક્રમ સારાભાઈ
કોમ્યુનિટી સાયન્સ સેન્ટરની મુલાકાતે ગયા હતા. નિસર્ગ ત્રિવેદી નામનો એક
વિદ્યાર્થી એમને મળવા માંગતો હતો. તેઓ આખો દિવસ અત્યંત વ્યસ્ત હતા એટલે તે એમને
મળી ન શક્યો. નિસર્ગ તો તેના આ પ્રેરણામૂર્તિને મળવા માંગતો જ હતો એટલે તે મોડી
સાંજ સુધી ત્યાં બેસી રહ્યો. અબ્દુલ
કલામને ખબર પડી કે તરત જ તેને બોલાવ્યો અને તેની સાથે વાતો કરી. એમણે નિસર્ગને
અંતરિક્ષ વિજ્ઞાનમાં અભ્યાસ કરવાની સલાહ આપી. પછીથી અબ્દુલ કલામ ભારતના રાષ્ટ્રપતિ થયા
ત્યારે તેઓ ગાંધી આશ્રમની મુલાકાતે ગયા હતા. ત્યારે પણ તેઓ નિસર્ગને મળ્યા અને
તેને અવકાશ વિજ્ઞાનના પુસ્તકો વાંચવા કહ્યું. એમણે તેને અંતરિક્ષ વિજ્ઞાનમાં ઉચ્ચ
અભ્યાસ કરવા માટે પરદેશની કેટલીક ખ્યાતનામ યુનિવર્સીટીની માહિતી પણ આપી.
]૨૦૧૩માં
અબ્દુલ કલામ યુએસએના જેક્સન વિલે ગયા હતા. તે વખતે એમ્બી રિડલ એરોનોટિકલ
યુનિવર્સીટીએ ઉચ્ચ ક્રમાંક મેળવનારા વિદ્યાર્થીઓની યાદી બહાર પાડી હતી. એમાં એક
ભારતીય વિદ્યાર્થી પણ હતો. અબ્દુલ કલામે આ જાણ્યું ત્યારે એમણે એ વિદ્યાર્થીને
મળવાની ઈચ્છા દર્શાવી. યુનિવર્સીટીએ એમની એ વિદ્યાર્થી સાથે મુલાકાત ગોઠવી આપી. તે
તેજસ્વી વિદ્યાર્થી નિસર્ગ ત્રિવેદી હતો! એણે અબ્દુલ કલામને પોતાના બાળપણની એ
ઘટનાઓ યાદ કરાવી જયારે તે એમને અમદાવાદમાં મળ્યો હતો. એમની પોતાની સાથેની તસવીરો
પણ બતાવી. અબ્દુલ કલામ તેની આવી ઝળહળતી કારકિર્દી જોઈને એટલા બધા ખુશ થઇ ગયા કે
એમણે અમેરિકામાં નિસર્ગનું બહુમાન કરવા એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું.
]અબ્દુલ
કલામ અગ્નિ મિસાઈલના પ્રોજેક્ટમાં વડા હતા ત્યારે એમની નીચે કામ કરતા એક
વૈજ્ઞાનિકે એમની પાસે ઘરે વહેલા જવા પરવાનગી માંગી. તે એના બાળકોને એક પ્રદર્શન
બતાવવા લઇ જવાનો હતો. કલામે એને પરવાનગી આપી પરંતુ તે કામની વ્યસ્તતામાં ભૂલી જ
ગયો. રાતે તે ઘરે ગયો ત્યારે તે ઘણો જ દુઃખી થઈ ગયો હતો કારણકે તે એના બાળકોને
પ્રદર્શન બતાવવા નહોતો લઇ ગયો. ઘરે જઈને એને જાણવા મળ્યું કે ખુદ અબ્દુલ કલામ જ
તેના ઘરે જઈને તેના બાળકોને પ્રદર્શન જોવા લઇ ગયા હતા! તેઓ તેને કામમાં ખલેલ ન થાય
માટે તેને કહ્યા વિના જ ગયા હતા. આમ અબ્દુલ કલામ બાળકોનો આટલો બધો ખ્યાલ રાખતા
હતા.
]અબ્દુલ
કલામ એક શાળાની મુલાકાતે ગયા હતા. એમણે પ્રવચન શરુ કર્યું ત્યારે વીજળી જતી રહી.
કલામે માઈકનો ઉપયોગ કર્યા વગર જ પ્રવચન આપ્યું. તેઓ જયારે પણ કોઈ શાળામાં કે
કોલેજમાં જતા ત્યારે તેઓ વિદ્યાર્થીઓને એમની સાથે તસ્વીર પડાવવા દેતા. તેઓ ક્યારેય
તેમને નિરાશ નહોતા કરતા. અબ્દુલ કલામ વિદ્યાર્થીઓ સાથે સતત સંપર્કમાં રહેતા. રોજ
તેઓ વિદ્યાર્થીઓની ઇમેઇલના જવાબ આપવા સમય ફાળવતા. એમની વિદ્યાર્થીઓ સાથે રહેવાની
ઈચ્છા એટલી પ્રબળ હતી કે તેઓ હંમેશા ઇચ્છતા કે એમનું મૃત્યુ પણ તેઓ વિદ્યાર્થીઓ
સાથે હોય ત્યારે જ આવે. અને જુઓ, ભગવાને એમની આ પ્રાર્થના
પણ સાંભળી! તેઓ વિદ્યાર્થીઓને પ્રવચન આપવા સ્ટેજ ઉપર હતા ત્યારે એમને હૃદયરોગનો
હુમલો આવ્યો અને એમણે અંતિમ શ્વાસ વિદ્યાર્થીઓની સામે જ લીધા!
No comments:
Post a Comment